દરિયાથી દિલ્લગી છે તો દિલને ડુબાડશું
મોતી મળે કે ના મળે ડૂબકી લગાવશું
છે ઘરની ઇંટ ઇંટ ઉપર આપની કૃપા
કયાં કયાં તમારા નામની તકતી લગાડશું
દર્પણની સામે આવીને ઊભા રહી ગયા
કઇ રીતે આપણે હવે ચહેરો છૂપાવશું
છે ભલભલાના કાંડા અહીં તો કપાયેલાં
ઝાલીને કોની આંગળી મેળામાં મહાલશું
આ મોત મોત કયાં છે કે માતમ મનાવીએ
એના મિલનની તક મળી, ખુશીઓ મનાવશું
સંબંધ મૃગજળોથી હવે ના રહ્યો ‘મહેક’
ઝાકળ જમા કરી હવે હોઠો ભીંજાવશું
ત્રીજા ગઝલસંગ્રહ “પ્યાસથી પરબ સુધી…”માંથી.
આ ગઝલને ગઝલગાયકો રિષભ મહેતા અને ગાયત્રી ભટ્ટનો કંઠ મળ્યો છે અને તેમની “અદબ” નામની ઑડિઓ કસેટમાં સ્થાન મળ્યું છે જે મારા માટે આનંદની વાત છે.