Batley Book Launch 2015
વિવિધ ફૂલોથી મહેકતું ‘ગુલદાન’
અમેરિકન લેખક Henry Van Dykeનાં ઘણાં quotations (અવતરણો) જાણીતાં છે. આપણા આજના આ પ્રસંગને બંધબેસતું આવે તેવું તેમનું એક કવૉટેશન છે, જેમાં તેમણે કહ્યું છે:
Use what talents you possess;
the woods would be very silent if no birds sang there except those that sang best.
તમારી પાસે જે કંઈ આવડત હોય તેનો ઉપયોગ કરો; વન-ઉપવનમાં માત્ર શ્રેષ્ઠ ગીત ગાનારાં પંખીઓને જ જો ગીત ગાવાંનો અધિકાર હોત તો વન-ઉપવનમાં સૂનકાર જ વ્યાપેલો હોત.
આપણે એમ કહી શકીએ કે વન-ઉપવનમાં જો માત્ર કોયલને ટહૂકવાનો, મોરને ગહેકવાનો અને બુલબુલને ચહેકવાનો અધિકાર હોત, તો વનો-ઉપવનો અત્યારે ચકલાં, કાબર, કાગડા, કબૂતર, પોપટ, હોલા વગેરે જેવાં અનેક પક્ષીઓનાં ગીતોથી ગુંજે છે તેવું ન બન્યું હોત. અહીં તો સવાર સાંજ જાત જાતના અવાજોથી વન સતત ગુંજતું રહે છે.
અહીં બ્રિટનના લેંકેશર પરગણામાં, ૧૯૬૬ પછી, ‘ગુજરાતી સાહિત્યકાર મંડળ’ (જેનું પાછળથી ગુજરાતી રાઇટર્સ ગિલ્ડ, યુ.કે.માં રૂપાંતર થયું) દ્વારા જે ગઝલ અને મુશાયરા પ્રવૃત્તિ આરંભાઈ અને પછી લેંકેશરના સીમાડા ઓળંગી યોર્કશરની ખીણ ટેકરીઓમાં ફરતી થઈ, તેમાં ધીરે ધીરે જે કવિઓ ઉમેરાયા અને ગીત ગઝલ ગાતાં થયા, તેમાં આજે અહમદ ગુલ સંપાદિત જે “ગુલદાન” કાવ્યસંગ્રહનું વિમોચન થયું, તેમાં સમાવિષ્ટ ગઝલકારોનો પણ સમાવેશ થાય છે. આ ગઝલકારોએ પોતાની પાસે જે કંઈ પણ આવડત હતી તેનો ઉપયોગ કરી, બાટલીના ગઝલ ઉપવનને પેલાં ગીત ગાતાં અને વનો-ઉપવનોને ગુંજતાં રાખતાં અનેકવિધ પક્ષીઓની જેમ આજ પર્યંત ગુંજતું રાખ્યું છે.
આ કવિઓએ જે ગાયું છે તેને મારે ગાવું છે. તેમના દર્દને આપ લોકો સુધી પહોંચાડવું છે. સમયના અભાવે તેમની કોઈ આખી ગઝલ તો રજૂ કરી શકાશે નહીં, પરંતુ તેમાંથી એકબે શેરો આપ સુધી પહોંચાડવાની કોશિશ કરીશ.
‘ગુલદાન’માં પ્રસ્તુત ગઝલકારોમાંના ગઝલકાર હસન ગોરા ડાભેલી અને હઝલકાર મુલ્લા હથુરણી તો તેમનાં ગીતો-ગઝલોનો વારસો આપણને સોંપીને અલ્લાહની રહેમતમાં પહોંચી ગયા છે. આવો, તેમને તેમની ગઝલોના એક બે શેરોથી યાદ કરીએ:
દર્દ એવું છે હૃદયમાં મુજથી સહેવાતું નથી
આંખમાં આંસુ છતાંયે મુજથી રોવાતું નથી
લોક બેઠા છે અહીં તો ભાઈબંધના રૂપમાં
દોસ્ત દુશ્મન કોણ છે બસ એ જ પરખાતું નથી
જિંદગીની આ રમતમાં ખૂબ થાકયા છે ‘હસન’
લો ઢળી ગઈ સાંજ, મંઝિલ તોયે પહોંચાતું નથી
હસન ગોરા ડાભેલી ઝાઝું ભણતર નહીં, પણ દિલથી, લગનથી ગઝલશાસ્ત્ર શીખ્યા હતા અને ગઝલો લખતા અને મુશાયરાઓમાં તરન્નુમથી રજૂ કરતા થયા હતા.
એમના જેવા જ બીજા કવિ તે મુલ્લા હથુરણી. મસ્ત, મોજીલા, મોટા દિલના અને મહેમાન નવાઝ. દેશપરદેશથી કવિઓ આવે તેમના માટે પોતાનું ઘર ખાલી કરી આપી રહેવાની સગવડ કરી આપે. તેમની ભરપૂર સેવા ચાકરી કરે. તેમની કવિતાઓ સાંભળે, તેમાંથી કંઈ શીખે અને પછી પોતાના રંગમાં ગઝલ-હઝલ લખે. હસનની ગઝલોમાં વેદના ઘૂંટાય છે તો મુલ્લાની હઝલોમાં હાસ્યના રંગફુવારા ઊડે છે:
કરે છે શ્રીમતીજી હર પળે લલકારની વાતો
વધારી દે છે બ્લડ પ્રેશર કરી તકરારની વાતો
કદી ઝઘડો, કદી રગડો, કદી રણકો, કદી છણકો
કદી ઈન્કારના પડદામાં છે ઈકરારની વાતો
ગરીબોની વ્યથાની વાત ‘મુલ્લા’ કોણ જાણે છે
ઘરેઘર થાય છે દોલત અને કલદારની વાતો
આ કવિઓ આપણી વચ્ચે નથી પણ એમણે કરેલી શબ્દની સાધના અને એના પરિપાકરૂપે આપણને મળેલી એમની સુંદર ગઝલો-હઝલો આપણો વારસો બની રહેશે.
ઈસ્માઈલ દાજી ‘અનીસ’ ગુજરાતી રાઈટર્સ ફોરમના સેક્રેટરીપદે છે. ફોરમની પ્રવૃત્તિઓનું શાંતિથી વહન કરી રહ્યા છે. નમ્ર અને મિલનસાર છે. ગઝલોમાં પ્રેમની, પ્રિયતમાની અને ‘ટેરવે એમના પાલવની અસર બાકી છે’ એવી નાજૂક વાતો લઈને આવે છે અને આપણી વચ્ચે ‘મઘમઘતી બહારો’ મૂકી જવાની વાત કરે છે:
હું તો મઘમઘતી બહારો મૂકી જઈશ
ઝાકળભીની કંઈ સવારો મૂકી જઇશ
છે અમાસી અંધકારો ચોતરફ
એક ઝગમગતો સિતારો મૂકી જઈશ
આંખમાં એની ‘અનીસ’ તરતો રહે
એક એવો હું નજારો મૂકી જઈશ
ઈસ્માઈલ દાજી મઘમઘતી બહારો અને ઝાકળભીની સવારો મૂકી જવાની વાત કરે છે તો ધીર, ગંભીર એવા દીનદાર કવિ શબ્બીર કાઝી લાજપુરી એમના અધ્યાત્મલક્ષી રંગમાં વિચ્છિન્ન અને છિન્નભિન્ન થઈ રહેલા માનવસમાજની, માણસની ભલાઇનાં કામો કરવાની અને માણસાઈના દીવા સળગતા રાખવાની વાત કરે છે:
ખુદાને તો ગમે છે કામ માણસની ભલાઈના
જલાવી રાખ તું હંમેશ દીપક માણસાઈના
રહી ના લાગણી ‘શબ્બીર’ બધે છે સ્વાર્થની વાતો
હતાં પહેલાં સબંધો તે હવે કયાં છે સગાઈના
બાટલીમાં યોજાતા મુશાયરા અને કવિઓની સંગતે સેવક આલીપોરીને પણ ગઝલના રંગે રંગી દીધા છે. સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં નિષ્ઠાપૂર્વક સેવા બજાવતા આ કવિ સાચા અર્થમાં ‘સેવક’ છે. સંતનો સહવાસ ઈચ્છતા અને સમાજમાં ભેદભાવો અને મતમતાંતર મિટાવી એકતા સ્થાપવા માટે ચિંતિત એવા આ લોક સેવકના બે ત્રણ શેરો જોઈએ:
વિચારોની તને વણઝાર આપું
ને સાથે શબ્દો પારાવાર આપું
તને તરછોડશે રસ્તામાં મિત્રો
તને હું ઘર સુધી સહકાર આપું
સિતમનો અંત ‘સેવક’ લાવવાને
હવે અન્યાયને પડકાર આપું
શબ્દોથી કામ લેતા આ બધા કવિઓમાં અહમદ ‘ગુલ’ નોખા પડી આવે છે. એમને શબ્દો કરતાં મૌનની ભાષા વધારે ફાવતી હોય એવું લાગે છે. એમણે મૌનને ખૂબ વહાલ કર્યું છે, ખૂબ રમાડયું છે. મૌનને કેન્દ્રમાં રાખી કેટલાયે શેરો લખ્યા છે. આ કવિ શબ્દોના નહીં પણ મૌનના ડાયરાઓ કરવા માંગે છે:
શબ્દના તાયફા કરીએ ચાલ
મૌનના ડાયરા કરીએ ચાલ
રાત આખી પસાર કરવી કેમ
રાતના ભાગલા કરીએ ચાલ
આંસુઓ લાવનાર ચિઠ્ઠીના
કાપલી કાપલા કરીએ ચાલ
હાલ છોડો નવા હિસાબો ‘ગુલ’
ચૂકતે પાછલા કરીએ ચાલ
આ અદના કવિઓએ આ રીતે બાટલીના ગઝલ ઉપવનને ગુંજતું રાખ્યું છે. ‘ગુજરાતી રાઇટર્સ ફૉરમ’ના સ્થાપક અને પ્રમુખ અહમદ ‘ગુલે’ ગઝલ લેખન અને મુશાયરા પ્રવૃત્તિમાં મોખરે રહી, આ કવિઓને યથાશક્તિ માર્ગદર્શન, પ્રોત્સાહન અને પ્લેટફોર્મ પૂરું પાડયું છે. આ કવિઓની ભાષાપ્રીતિ અને એમની ગઝલ સાહિત્ય સાધનાને આપણે બિરદાવવી રહી.
અંતે, ‘ગુલદાન’ને હું આવકારું છું. એમાં સમાવિષ્ટ કવિઓની લગની, ભાવના અને માતૃભાષા અને માતૃભૂમિ પ્રત્યેની એમની મમતાને બિરદાવું છું. આ કવિઓની કવિતાનું આ રીતે દસ્તાવેજીકરણ કરી અહમદ ‘ગુલે’ એક ઉમદા કામ કર્યું છે, એ બદલ એમને પણ ધન્યવાદ આપું છું.
“A Minor Bird” નામની પોતાની કવિતામાં, ઘરઆંગણે વૃક્ષ પર બેસીને ગીત ગાતાં કોઈ પંખીને હાથની તાળીઓ પાડીને ઉડાડી મૂકવાના કૃત્યને પણ અંગ્રેજ કવિ રોબર્ટ ફ્રોસ્ટે તો ગુનો કહ્યો છે. કાવ્યની છેલ્લી બે પંક્તિઓમાં કવિ કહે છે:
And of course there must be something wrong;
in wanting to silence any song.
આગળ ઉપર ગુજરાતી અને હવે અંગ્રેજીમાં પણ લખતા થયેલા અહીંયાંના આપણા British born, British bred, British educated કવિઓના અવાજને દબાવી દેવાનો અપરાધ કોઈ નહીં કરે, એવી આપણે આશા રાખીએ. લેંકેશરમાં ‘મહેક’ ટંકરાવીને અને યોર્કશરમાં માત્ર અહમદ ‘ગુલ’ને જ ગઝલ ગાવાનો અધિકાર હોત, તો અહીંના વસવાટના પાંચ દાયકા પછી પણ, આજે આપણે ગુજરાતીમાં આ જે વાતો કરી રહ્યા છીએ, અને ગઝલોનો આસ્વાદ માણી રહ્યા છીએ, તે શકય બન્યું ન હોત. એમનાં ગીતો લેંકેશરની ટેકરીઓ સાથે અથડાઈને અને યોર્કશરની ખીણોમાં પડઘાઈને કયારનાયે શાંત થઈ ગયાં હોત.
સદ્દભાગ્યે એવું થયું નથી. ‘ગુલદાન’માં સમાવિષ્ટ કવિઓ જેવાં બીજાં અનેક ડાયસ્પોરિક કવિઓનાં ગીતગુંજનથી ગુજરાતી ભાષાનું ઉપવન હજી ગુંજતું, ધબકતું અને જીવંત છે અને આપણી વચ્ચે હજી વધુ સમય જીવંત રહે એવી આશા વ્યક્ત કરી હું વિરમું છું.