Pathik Sitponvi

પથિક’ સિતપોણવી

Pathik Sitponvi

રવિવાર તા. ૨૫ માર્ચ ૨૦૧૨ના રોજ બોલ્ટનમાં યોજાયેલા “ભરૂચી વહોરા પટેલ” પુસ્તકના વિમોચન નિમિત્તે મુશાયરામાં વહોરા પટેલોની ખાસિયતો નિરૂપતી પોતાની હાસ્યથી ભરપૂર હઝલ રજૂ કરી ‘પથિક’ સિતપોણવીએ સૌને પેટ પકડીને હસતા કરી મૂકી મુશાયરો જીતી લીધો હતો.


હઝલ

ભાઇ વોરા પટેલ છે
□ ‘પથિક’ સિતપોણવી

ભોળા ને ભટ કેવાય, ભાઇ વોરા પટેલ છે
આબ્બાદ છેતરાય, ભાઇ વોરા પટેલ છે

લાખો ને કરોડોમાં લો વેચાય જમીનો
વેચીને નવરા થાય, ભાઇ વોરા પટેલ છે

શાદીમાં બેન્ડવાજાં, ધતૂરાની ધમાધમ
હાથી પર સવાર થાય, ભાઇ વોરા પટેલ છે

આમધ અને મામધ અહીં વાંકા વળી ગયા
પિત્રાઇ ત્યાં તાજા થાય, ભાઇ વોરા પટેલ છે

ઘેટાંની જાત, એક ની પાછળ કૂદી પડે
દુબઇમાં ડૂબી જાય, ભાઇ વોરા પટેલ છે

માબેનની ગબડાવે જો ગુસ્સે એ થાય તો
તીખું મરચું કેવાય, ભાઇ વોરા પટેલ છે

કયારેક ના કરવાનું કરી બેસે છે એ તો
પાછળથી ખૂબ પસ્તાય, ભાઇ વોરા પટેલ છે

બેસે જો આપવા તો બધુંયે લૂંટાવી દે
વંકાય તો વંકાય, ભાઇ વોરા પટેલ છે

રીસાવે તો મનાવાનું મુશ્કેલ હોય છે
તિસ્મારખાં કેવાય, ભાઇ વોરા પટેલ છે

કાલે ભલેને આવે કયામત, ફિકર નથી
ખાઇ પીને ઊંઘી જાય, ભાઇ વોરા પટેલ છે

બંધ કર ‘પથિક’ ટીકાઓ કરવાનું તું હવે
કેડો ના ભાંગી જાય, ભાઇ વોરા પટેલ છે